ડેપા ગામની ભૌગોલિક અને ઐતિહાસિક ભૂમિકા નાનકડું ગામ હોવા છતાં રમણીય એનો નકશો છે. કચ્છ પ્રદેશના મુન્દ્રા તાલુકામાં આવેલું ડેપા ગામ મુન્દ્રા-માંડવી તાલુકાની સરહદની અડોઅડ મોટી ખાખર-બેરાજા માર્ગ પર મુન્દ્રાથી પશ્ચિમ-ઉત્તર ૨૫ કિ.મી.પર આવેલું છે આ રળિયામણા ગામની પૂર્વે ગેલડા,દક્ષિણે મોટી ખાખર,પશ્ચિમે ફરાદી અને ઉતરે રામાંણીઆ આવેલ છે આ ચતુશકોણ વચ્ચે આવેલું ડેપા ગામ તેનો ઇતિહાસ કંઈક આવો છે લગભગ ૪૨૫ વર્ષ પૂર્વે ડેપા ગામની પશ્ચિમે ટોભાસર નામનું રજપૂતોનું ગામ હતું વખત જતાં ટોભાસર ગામ ભાંગી જતાં વેરાન ટીંભો બની ગયું.
એ સમયે ટોભાસર ગામના રજપૂત શ્રી દીપુભાની અમી નજર જ્યાં આજે ડેપા ગામ વસેલું છે તે ભૂમિ પર પડી.દીપુભા એ ત્યાં ગામ વસાવ્યું એમણે પોતાનું નામ દીપુભા પરથી ગામનું નામ દેપા રાખ્યું જે આજે પણ દેપા અથવા ડેપા તરીકે ઓળખાય છે. આ રાજવંશી દીપુભાએ મહાજનને ડેપામાં વસવાટ કરવા માન-પાન થી આમંત્રણ આપ્યું એમની ભલી લાગણી અને આદર ભાવથી પ્રેરાઈ મહાજન ડેપામાં આવીને વસ્યા અને આજે ચોકમાં આવેલ શ્રી લધા પાસુ સાવલાની ડેલીમાં મહાજનનું સૌ પહેલું તોરણ બાંધી શ્રી ગણેશાય કર્યા સમય જતાં ડેપા મહાજનશ્રી સમૃદ્ધ બની શોભી ઉઠ્યું આ વાતને સવા ચારસો વર્ષના વહાણા વહી ગયા આજે પણ મહાજન ડેપા ગામની શોભા દીપાવી રહ્યા છે.
ડેપા ગામમાં આધુનિકતા ભલે મોડેથી પ્રવેશી હોય પણ એનો ઉતરોઉતર વિકાસ જરૂર થયો છે ગામના ઘણા મહાજન ભાઈઓ દેશ વિદેશ માં વસતા હોઈ સ્થાનિકે વસ્તી ખુબજ ઓછી થઈ ગઈ છે દેશ વિદેશમાં વસતા મહાજન ના ભાઈઓ એ મહેનત અને પ્રામાણિકતા ના કારણે ધંધા રોજગારમાં ખુબજ પ્રગતિ કરી છે ઘણાએ ગામ તથા સામાજિક ક્ષેત્રે સારા યોગદાન થકી સારી નામના મેળવી ડેપા ગામના નામને ગૌરવવંતુ બનાવ્યું છે વતન થી દુર વસવાટ હોવા છતાં દરેકના મનમાં માદરે વતન પ્રત્યે પ્રેમ છલોછલ વર્તાય છે વતનને યાદ કરી જાણકારી મેળવવાનું ભૂલતા નથી અને સમય મળે અથવા પ્રસંગોપાત સ્થાનિકે હાજરી આપી જુના સ્મરણો ને યાદ કરે છે